દેવ ગુરુ પસાય .

દેવ ગુરુ પસાય 

દેવ ગુરુ પસાય એટલે કે 
હું કાળા માથાનો માનવી, 
આ વિશાળ સૃષ્ટિમાં 
મારી શી વિસાત. 
જે હું નથી કરી શકતો એ 
મારા કર્મોની કઠણાઈ છે, 
મેં બાંધેલા પાપો ના પોટલાં છે

જે કાંઈ થાય છે
એ ઈશ્વરની ઈચ્છા છે, 
પ્રભુનો પ્રસાદ છે, 
પરમાત્માની પ્રેરણા છે
દેવની દયા છે
ગુરુનું જ્ઞાન છે

જે કાંઈ 
તપ, સાધના, આરાધના કે વ્રત 
થયા એમાં હું નિમિત્ત માત્ર છું
જે થાય છે તે 
દેવગુરુની કૃપાથી થાય છે. 
એક રીતે જુઓ તો 
જપ, તપ, સાધના, આરાધના 
કરનાર શ્રાવકનો 
ભૂલે ચુકે પણ અહમ ન પોરસાય 
એ માટે નો મંત્ર છે આ વાક્ય
દેવ ગુરુ પસાય

સુખ હોય કે દુઃખ,
તડકો હોય કે છાંય
ભરતી હો કે ઓટ
આવક હોય કે જાવક
ચડતી હોય કે પડતી
જીવનની કોઈપણ અવસ્થામાં
પુરે પુરી આસ્થામાં
આ વાત સમજી, વિચારી 
માત્ર મગજ જ નહીં
જીવનમાં ઉતારી લેવા જેવી વાત એટલે
દેવ ગુરુ પસાય

જીવનમાંથી, 
પોતાની બોલચાલ, રીતભાત,
વાણી વર્તનમાંથી
હું,
મૈં અને
મારુ ની બાદબાકી
પછી મનમાં જે ભાવ જન્મે એ
ભાવ એટલે

દેવ ગુરુ પસાય